આ શાળાની પ્રગતિમાં દાહોદમા શહેરીઓ, સામાજિક કાર્યકરોએ સંપૂર્ણ સહકાર અને અમૂલ્ય ફાળો આપ્યો છે. સદ્દગત શે યાહ્યાભાઇ અબ્દુલહુસેન સૈફે 50,001/-નું સંસ્થાને દાન કર્યુ. આ દાનની સ્મૃતિમાં સંસ્થાએ સને 1952માં શાળાને "શ્રીમતી મેમુનાભાઇ યાહ્યાભાઇ હાઇસ્કૂલ" નામ આપ્યું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ અમેરિકામાં રહેતા શ્રી ધનસુખભાઇ દાદરવાલા તરફથી તેમના પિતાશ્રી તેમજ માતૃશ્રીના સ્મરણાર્થે તેઓએ રૂ.3 લાખનું સં
સ્થાને દાન આપ્યું. આ સ્મૃતિમાં એમ.વાય. હાઇસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગનું નામ "શ્રીમતી સવિતાબેન એન્ડ ઇશ્વરલાલ દાદરવાલા ઉચ્ચતર માધ્યમિક શાળા" આપવામાં આવ્યું.
પ્રતિ વર્ષ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો હોવાથી વિદ્યાર્થીઓને બેસાડવાની મુશ્કેલી પડતી હતી. તેથી ૧૯૫૫માં એક બીજું શાળા ભવન બાંદવામાં આવ્યું હતું અને તેનું ઉદ્દઘાટન મુંબઇ રાજ્યનાં તે વખતનાં પંતપ્રધાન શ્રી મારારજીભાઇએ કર્યું હતું.
શાળામાં વિદ્યાર્થીઓની વિશાળ સંખ્યા જોઇને સંસ્થા તેમજ કેળવણી ખાતાને શાળા એકમોમાં વહેંચાય એ શિક્ષણ સિદ્ધાંત અમલમાં લાવવાનું યોગ્ય લાગ્યું. પંચમહાલના સામાજિક કાર્યકર શ્રી કમળાશંકર લ. પંડયા અને તેમના મોટાભાઇ ઓચ્છવલાલ લ. પંડયા તરફથી રૂ. 35000/-નું દાન મળતાં તે દાનની સ્મૃતિમાં શાળામાંથી એકમ છુટું પાડીને "રાધિકાબહેન એન્ડ લલ્લુભાઇ પંડયા હાઇસ્કૂલ" એવું નામ સને 1957માં આપ્યું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ અમેરિકામાં રહેતા ડૉ. કુન્દાવાલાએ રૂ. ત્રણ લાખનું દાન આપ્યું, જેથી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગનું નામ "શ્રીમતી સકીનાબહેન મહમ્મદભાઇ કુન્દાવાલા ઉચ્ચતર માધ્યમિક શાળા" આપવામાં આવ્યું.
ઘણા સમયથી વિદ્યાર્થીઓની સંખ્યા અને વિદ્યાર્થીનું વલણ જોતા. ગર્લ્સ હાઇસ્કૂલની જરૂર જણાતી હતી. આ વિચારને 13 જૂન 1960 થી મૂર્તરૂપ મળ્યું અને ગર્લ્સ હાઇસ્કૂલ અસ્તિત્વમાં આવી. ગર્લ્સ હાઇસ્કૂલના મકાનનો શિલાન્યાસવિધિ એમ.વાય. હાઇસ્કૂના આચાર્યશ્રી એલ.એ.વી. આયરના શુભહસ્તે તા. 17-12-1961ના રોજ કરવામાં આવ્યા. નવજીવન રોલર ફલોર એન્ડ પલ્સ મિલ્સ પ્રા.લિ.નાં સંચાલકો તરફથી ગર્લ્સ હાઇસ્કૂલને "નવજીવન ગર્લ્સ હાઇસ્કૂલ" નામ ઓગષ્ટ 1963માં આપવામાં આવ્યું.
હાલ અમેરિકામાં રહેતા શ્રી અપૂર્વભાઇએ તેમના માતા-પિતાના નામે રૂપિયા ત્રણ લાખનું દાન આપ્યું જેથી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગનું નામ "શ્રીમતી જયાબહેન એન્ડ રસિકલાલ દેસાઇ ઉચ્ચતર માધ્યમિક શાળા" આપવામાં આવ્યું.
ત્રણેય શાળા બહુલક્ષી ઉચ્ચતર માધ્યમિક છે. એમ.વાય. હાઇસ્કૂલ અને આર.એન્ડ પંડયા હાઇસ્કૂલમાં ટેક્નીકલ સાથે વિદ્યાર્થીઓને એસ.એસ.સી. માટે તૈયાર કરવામાં આવે છે. નવજીવન ગર્લ્સ હાઇસ્કૂલમાં વિદ્યાર્થીનીઓ માટે ગૃહવિજ્ઞાન અને સિવણ શીખવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ટાઇપ રાઇટીંગ, સંસ્કૃત, પી.ટી. ચિત્રકામ અને કોમ્પ્યુટર સિવાય બીજા કોઇપણ વિષયોમાટે વધારાની ફી લેવામાં આવતી નથી.
સને 1976-77ના વર્ષથી ત્રણેય શાળાઓને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તરીકે સરકારશ્રીની મંજરી મળી છે. શ્રીમતી મેમુનાભાઇ યાહ્યાભાઇ હાઇસ્કૂલ અને રાધિકાબહેન લલ્લુભાઇ પંડયા હાઇસ્કૂલ વિભાગમાં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વર્ગો ઉપરાંત કોમ્પ્યુટર તાલીમની વ્યવસ્થા પણ છે.
શિક્ષણ અંગેની સરકારની નવી નીતિ અમલમાં આવતાં ધોરણ 5 થી 7ના વર્ગો પ્રાથમિક વિભાગમાં અને ધો.8 થી 12નાં વર્ગો હાઇસ્કૂલ વિભાગમાં મૂકવામાં આવ્યા. પરિણામે 1979-80ના વર્ષથી ત્રણેય હાઇસ્કૂલ સંલગ્ન ધોરણ ૫ થી ૭ના વર્ગો ત્રણ સ્વતંત્ર શાળા તરીકે અસ્તિત્વમાં આવી છે.
શાળા ત્રિવેણીના વિદ્યાર્થીઓ ન્યુ એસ.એસ.સી. પરીક્ષા તેમજ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં બોર્ડ કક્ષાએ પ્રથમ 10નંબરમાં સ્થાન મેળવે છે. ઉચ્ચતર કક્ષાએ વિજ્ઞાન પ્રવાહ તથા માધ્યમિક કક્ષાએ ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ એવોર્ડ મેળવેલ છે.