19/09/2026
સી પી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ કોલેજ ઓટોનોમસ આણંદ ખાતે તારીખ ૧૯/૦૯/૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ભવ્ય ઇતિહાસ, વૈદિક જ્ઞાન અને નૈતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી સંસ્થાના લાઇબ્રેરી (ગ્રંથાલય) વિભાગ અને જ્ઞાન ધારા સમિતિ ના સંયુક્ત ઉપક્રમે 'ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષા' નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં યુવા પેઢી ભારતીય જ્ઞાન પરંપરા, વિજ્ઞાન અને સાહિત્યના વારસાથી પરિચિત થાય અને પુસ્તકો તરફ વળે તે માટે આ વિશેષ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. પરીક્ષાની પૂર્વતૈયારીના ભાગરૂપે ગ્રંથપાલશ્રી દ્વારા વિદ્યાર્થીઓને વિષયલક્ષી સંદર્ભ પુસ્તકો અને વાચન સામગ્રી પૂરી પાડવામાં આવી હતી, જ્યારે જ્ઞાન ધારા સમિતિના કન્વીનર ડૉ. કે. એલ. પટેલ અને સભ્યો દ્વારા રજીસ્ટ્રેશનથી લઈને પરીક્ષાના સંચાલન સુધીની તમામ કામગીરી સુવ્યવસ્થિત રીતે સંભાળવામાં આવી હતી. આ વૈકલ્પિક પ્રશ્નો (MCQs) આધારિત પરીક્ષામાં ભારતીય ઇતિહાસ, ભૌગોલિક વારસો, યોગ અને સ્વાતંત્ર્ય સંગ્રામ જેવા મહત્વના વિષયોનો સમાવેશ કરાયો હતો.
કોલેજના આદરણીય ઇ.ચા. આચાર્ય ડૉ. તેજલબેનના યોગ્ય માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલશ્રી અને ડૉ. કે. એલ. પટેલના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને વિદ્યાર્થીઓ માટે ભારતીય સંસ્કારોને આત્મસાત કરવાનું એક સશક્ત માધ્યમ સાબિત થયો હતો.