28/04/2025
ચિ. દીપ્તિને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા :
*********************************
આજે તારીખ ૨૮મી એપ્રિલ 2025ને સોમવાર.
મારી પુત્રવધુ દીકરી દીપ્તી નો જન્મ દિવસ.
41વર્ષ પૂરા કરી ને 42 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
આમ તો દિપ્તીના પરિવાર સાથે
ત્રણ પેઢીથી આત્મીય સંબંધો.
પરંતુ દીકરા નૈષધ માટે કન્યા શોધવાની ઓરબીટ માં
દિપ્તી એ પ્રવેશ ન્હોતો કર્યો.
જે કન્યાઓ ઓરબીટમાં ઘૂમતી હતી
તે અમારા મનમાં વસતી ન્હોતી.
ત્યાં એક દિવસ દિપ્તીના
કાકા અને મારો મિત્ર દેવેન્દ્ર અચાનક આવી ચઢ્યો.
મને પૂછ્યું છે કેમ કાઈ મૂડમાં નથી દેખાતો ?
મેં મારી વિમાસણ રજૂ કરી,
યાર, હજી કંઈ નૈષધ માટે ઠેકાણું બેસતું નથી!
એટલે દેવેન્દ્ર મૂછમાં હસ્યો, અને બોલ્યો
તને ઘરમાં દીકરી નથી દેખાતી !,અને બહાર ફાંફા માર્યા કરે છે ?.....
મેં આશ્ચર્ય વ્યક્ત કર્યું ! અને એણે કહ્યું
મારા ભાઈ અનિલની દીકરી દિપ્તી !
એટલે મેં તત્ક્ષણ કહી દીધું, છોકરો-છોકરી એકબીજાને પસંદ કરે એટલે આ સંબંધ પાકો.
નૈષધ અને દિપ્તી મળ્યા અને એકબીજાને ગમી ગયા .
સંબંધ ગોઠવાયો અને વેવિશાળની તારીખ નક્કી થઈ.
વેવિશાળને દિવસે પાછા ફરતી વેળાએ
અમારા બંને પરિવારોના સબંધી પ્રભાબેન મળ્યા.
મને કહે છે, ઉત્તમભાઇ તમે બહુ નસીબદાર છો !
મેં પૂછ્યું કેમ? તો પ્રભાબેન કહે છે..
આ દિપતીને તમે લઈ જાવ છો ને, પણ મને યાદ રાખજો
આ છોકરી તમારા ઘરમાં દિવસને દિવસે વધુ ને વધુ તમને વિકસતી દેખાશે અને મહેકતી જોવા મળશે !
મેં કહ્યું, પ્રભાબેન તમારા મોઢામાં ઘી શક્કર !
એ દિવસ અને આજની ઘડી.
પ્રભાબેનની આગાહી દિવસે દિવસે વધુ ને વધુ સાચી પડતી જાય છે .
અમારી દિપ્તી દિવસે ને દિવસે
સાતત્યપૂર્વક વધુ ને વધુ વિકસતી જાય છે અને મહેકતી પણ જાય છે.
મારો દીકરો તેજસ 23 વર્ષની ઉમ્મરે
એકસીડન્ટમાં અમને છોડી ગયો જેના આઘાતમાં
લતા ડિપ્રેશન અને સિકઝોફેનીક માનસિકતામાં પ્રવેશી.
તેજસના કારણે અમારા પરિવારમાં સર્જાયેલા અવકાશમાં
એક જ વર્ષ પછી દિપ્તી એ પ્રવેશ કર્યો હતો.
અમારા આખા પરિવારને ખબર પણ ન પડે એ રીતે
દિપ્તીનાં મહેકતા વ્યક્તિત્વથી તેજસથી સર્જાયેલો અવકાશ ધીમે ધીમે સાતત્યપૂર્વક ઓગળતો ગયો.
લતા નું ડિપ્રેશન અને સિક્ઝોફ્રેનિક માનસિકતા
દિપ્તીના સહવાસથી ભુતકાળની સ્મૃતિ બની ગયું. અને
જોતજોતામાં અમારા ગામનું
સાસુ વહુની જોડીનું આદર્શ આનંદિત કપલ બની ગયું.
લતા હાઇપર ડાયાબિટીસનું પેશન્ટ.
છેલ્લા સાડાત્રણ વર્ષ સઘન માંદગી અને સારવારના ગયા.
એ સાડા ત્રણ વર્ષના લતાબેન બે સાથીદારો
એક એના સાહેબ, ડો છાબડા અને બીજી એની દિપ્તી.
લતાબેન એમની માંદગીમાં કઈ દવાઓ લીધી છે
એની ખબર લતાબેન,ઉત્તમભાઈ,નૈષધ ભાઈને ખબર ન પડે પરંતુ એના સાહેબ અને દિપ્તી જાણે.
છાબડા સાહેબ ને કશું પૂછવું હોય તો સુધી પૂછપરછ દિપ્તી સાથે થાય..... અમે બધા કઈ જાણીએ નહીં.
લતાબેનની રાત્રીમાં ચારથી પાંચ વખત
એમની હાજત અને સમસ્યાને કારણે અંતરાલ સર્જાય.
દરેક વખતે દિપ્તી હસતે મોઢે તત્પરતા સાથે હાજર.
રાત્રે નવ દસથી શરૂ થતી આ સેવા સવારે ચાર પાંચ દરમિયાન ચાલે.
ક્યારેક હું ના પાડું અને દિપ્તી ને સુવા દેવાનું કહું તો
બંને સાસુ વહુ થઈને મારો ઉધડો લઇ નાખે !
બંને સાસુ વહુની આ સબંધોની અદ્વૈત સાધના
૧૬મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે લતાબેનને દિપ્તીએ
કરેલા અગ્નિસંસ્કાર દ્વારા પૂર્ણ થઈ.
લતાબેન ગયા પછી દિપ્તી હવે
માથા ફરેલ બાપ-દીકરાનું વાલીપણું કરે છે.
ભારતીય સંસ્કૃતિમાં અને ભારતીય કુટુંબ વ્યવસ્થામાં સસરાજી વિધુર બને એટલે વહુએ વહુ મટીને માનો રોલ અદા કરવાનો હોઈ છે.
દિપ્તી હવે વહુ દીકરી મટીને મારી બોસ બની ગઈ છે.
મને પણ મારી ત્રણે ટાઈમની દવાના નામ ખબર નથી.
દીપ્તિ પીવડાવે તે પીવાની.
નવોઢા બનીને આવી હતી ત્યારે પપ્પા હું ટીવી જોઉં?
હવે મારે કેટલું ટીવી જોવાનું તે એ નક્કી કરે છે.
મને સસરા તરીકે જોગવવાનો અને
નૈષધને જીવનસાથી તરીકે જોગવવાનો
એ કાચી પોચી છોકરી નું કામ જ નહિ !
મારા બધા જ સગા, સ્નેહી ,મિત્રો કહે છે કે
ઉત્તમ, તું જમાઈ અને વહુ મેળવવામાં સૌથી વધુ ભાગ્યશાળી છે.
એટલે હું કહું છું હા, એ બાબતમાં હું અબજોપતિ છું.
છેલ્લે એક વાત કહું
દિપ્તી મારી વહુ નહિ દીકરી છે.
એના પ્રેમ, ત્યાગ અને સમર્પણને કારણે નહિ પરંતુ
એના ગુણ અવગુણ નિરપેક્ષ અસ્તિત્વથી એ મારી દીકરી છે.
પરંતુ પ્રભાબેન ની એ વાત
દિપ્તી ના 42માં વર્ષમાં પ્રવેશ વખતે પણ સાચી છે.
હું અને નૈષધ ભાગ્યશાળી છીએ
કારણકે દિપ્તી દિવસે દિવસે વિકસતી જાય છે અને
દિવસે દિવસે મ્હેકતી જાય છે.........
બેટા, દિપ્તી જન્મદિવસની હાર્દિક શુભકામના.
લી........ થિરક કહે છે તેમ........... તારા પપ્પા.